गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः । गुरुःसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नम: ॥
પ્રિય ભક્તો,
મા અંબાની અસિમ કૃપાથી આ “માઇ ચરણાવલી” નું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. આ સાથે જગત ઉપર મારા આશિર્વાદ છે. આ ગરબા ગાઇ લોકો પોતાનું દુઃખ હળવું કરે અને પુરૂષાર્થ ની સાથે સાથે ભક્તિને જીવનમાં ઉતારી જીવન સફળ કરે તેજ મારી નમ્ર વિનંતી છે.
ભાવ વંદના
માઈ ચરણાવલી, એ, પૂ. નટુભાઈ દવે (બાપુ) ના ગરબા અને પરચાને સૂરમાં ગ્રંથિત કરતી ગરબાની આવૃતિ છે.
પૂજનીય બાપુના મુખારવિંદમાંથી નીકળતી વાણીએ ગરબાનું સ્વરૂપ લીધું અને લેખિની જાગૃત થઈ તેના જ ફળસ્વરૂપે આ માઈ ચરણાવલીની આવૃત્તિ તૈયાર થઈ.
માઈકૃપાએ, માઈ પ્રેરણાર્થી, પૂ.બાપુના ગરબારૂપી પાંખડી પ્રગટ કરી જગદંબાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ છીએ. આ ગરબાવલીથી લુપ્ત થયેલા પ્રાચીન ગરબાઓ આજની નવી પઢીને મળે અને દુઃખમાં માનવને રાહ મળે તેવી ઈચ્છાથી આ ગરબાવલી પ્રગટ કરી છે.
આશા છે કે આ પુસ્તિકાને ભાવિક ભક્તો આવકારશે.
અશોકભાઈ ઓઝા અને સુરેશભાઈ ચૌહાણ
સદ્દવિચાર
૧) સત્ય બોલવું, ઈશ્વરનું નામ લેવું.
૨) બીજાનું ભલું કરવું. ભલું ન થાય તો બુરું તો કરવું જ નહિ.
૩) દુઃખ આવે ત્યારે પોતાના ઇષ્ટદેવનું સતત સ્મરણ કરવું.
૪) દર્શન દરેક જગ્યાએ કરવા પણ પોતાના ઇષ્ટદેવને છોડવા નહિ.
૫) જગતમાં જેટલા નર છે તેટલાને નારાયણ માનવા, જેટલી નારી છે તેને શક્તિ માનવી.
૬) શત્રુ કોઈ જ નહિ. આપણા શરીરમાં રહેલ શત્રુને કાઢવા, કોશિષ કરવી.
૭) શરીરમાં રહેલા શત્રુ, કામ, ક્રોધ, મોહ, લોભ ને હટાવવા, ઇષ્ટદેવનું સ્મરણ કરવું.
૮) બીજાના દુઃખમાં ઊભા રહેશો તો પ્રભુ તેમાં જરૂર મદદ કરશે.
૯) નિંદા થી દૂર રહેવું.
૧૦) નિંદા થાય તો સમજવું કે ઈશ્વરની કૃપા થઈ છે.
૧૧) નિંદાથી પાપ ધોવાય છે.
નમ્ર વિનંતી
મા દયાળુ છે. જગતજનની છે. શિવશક્તિ મૂળ છે. “મા” એ જ મંત્ર છે. નરનારી સંપથી રહે તો મંત્રની જરૂર નથી, શ્રદ્ધા એ મહાન મંત્ર છે. દુ:ખ માં પોતાની કુળદેવી કે ઈષ્ટ દેવ પર વિશ્વાસ રાખી સતત સ્મરણ કરવું. સ્મરણથી દુઃખ જતું રહે છે. સ્મરણ કરીએ અને દુઃખ આવે તો સમજવું કે કસોટી થાય છે. અને કર્મ ભોગવવું જ પડે છે. તેમાં શ્રધ્ધા નો દીવો જાગૃત હોય તો ઈશ્વર ટેકા રૂપ બની જાય છે. દુઃખના ડુંગર તૂટે, ચારેબાજુથી અંધકાર આવે તો સ્મરણ કરવું. પોતાની કુળદેવી ને કદી ભૂલવી નહિ. તે જ માર્ગ કાઢે છે. મા કોઇને મારતી નથી. કોઈનું ખરાબ કરવું નહિ. કોઈની નિંદા કરવી નહિ. બને તો કોઈ નું સારું કરવું. પોતાના ઇષ્ટ દેવ કે દેવી માં વિશ્વાસ રાખી સતત સ્મરણ કરવાથી જરૂર કૃપા થાય છે. માર્ગ મળે છે.
જાપાત્મક મહામંત્રો :
જય અંબે શરણં મમ :
ૐ ઐં હ્રીંમ ક્લીંમ ચામૂંડાયે વિચ્ચે: વિચયે: નમઃ
બાપુના જય અંબે
પૂ. બાપુ નો પરિચય
ધોમધખતા વૈશાખના તાપમાં વટેમાર્ગુને મીઠી છાંયડી મળી જાય, અફાટ રણમાં મીઠી વીરડી મળી જાય અને જેમ ખૂબ તરસ્યાને પાણીનો લોટો પીવા મળી જાય અને જે “હાશ” અનુભવે, તેવી જ રીતે આ ઘોર કળિયુગ માં કે જ્યાં દુઃખ, હતાશા, ચિંતા, લઈ લેવાની વૃત્તિ, તારા-મારા ની ભાવના, તોફાન, ગરીબી, કોઈને નોકરી નથી તો કોઈને છોકરી મળતી નથી, કોઈ પુત્ર વિના તલસે તો કોઈ પૈસા વિના, આવા આ સમયમાં મહાનગર મુંબઈ જેવા શહેર માં કોઈ સાચો સંત મળી જાય તો કેવી હૈયે ટાઢક મળે. મુંબઈ માં સાંતાક્રુઝ માં એક આવા જ સંત વર્ષો થી રહે છે અને સતત જનસેવાનું ભગીરથ કાર્ય કર્યેજ જાય છે. આજે મુંબઇ તો શું, અમેરિકા, લંડન અને આફ્રિકામાં પૂ.બાપુનું નામ ખૂબ જાણીતું છે. ગરીબો ના બેલી, અને સૌ પર સમાન નજર રાખનાર પૂ. બાપુ નું નામ નટવરલાલ લલ્લુભાઈ દવે છે. આ આદ્યાત્મિક વિભૂતિ સાંતાક્રુઝ (પૂર્વ) માં, પ્રભાત કોલોની, શારદાબાઈ ચાલમાં એક ઝૂંપડામાં રહે છે. પોતાનો પરિવાર છે, પત્ની, ૨ પુત્રો, ૨ પુત્રી, પુત્રવધુઓ તથા પૌત્રીનું કુટુંબ છે. છતાં વિરાર થી વાલકેશ્વર સુધી અને પનવેલ થી વીટી સુધીના લોકોએ તેમનું શરણ પકડી પોતાની જીવનનૈયા તોફાનમાંથી બચાવી છે. હિન્દુ, મુસ્લીમ, ખ્રિસ્તી, પારસી, સાધુ, ફકીર, જૈન સૌ કોઈ, સર્વ ધર્મના લોકો અહીં આવે છે. કોઈ નોકરી માટે, કોઈ જમાઈ શોધવા માટે, કોઈ ભૂત-પ્રેત થી મુક્તિ માટે, કે કોઈ રોગીઓ માટે, કોઈ માનસિક શાંતિ માટે, કે કોઈ ધન માટે, કોઈ શત્રુઓથી બચવા માટે, કે કોઈકોર્ટ-કચેરી ના બંધન થી મુક્તિ મેળવવા અહીં આવે છે. સવારે ૫-૩૦ વાગ્યા થી રાત્રે ૧૦ વાગ્યા સુધી લોકો આવ્યા જ કરે છે. છતાં સૌ સાથે પ્રેમભર્યો આવકાર જેની જેવી વિધિ પ્રમાણે બધું ચાલે છે. અહીં પ્રશ્ન કરવાની જરૂર નથી. પૂ. બાપુ બધું જાણે છે. અને કર્મયોગ પૂરો કરાવે છે. લોકો ને તકલીફમાથી બચાવી સાચું માર્ગદર્શન કરે છે.